બજેટ પાછળ ઠેલવાની વિપક્ષી માગ બાદ સરકાર પાસે જવાબ મગાવતું ચૂંટણી પંચ
નવી દિલ્હી, તા. 7: સામાન્ય બજેટ રજૂ કરવાની તારીખ (1 ફેબ્રુઆરી) ચૂંટણીથી નજીકની હોવા સામે વિપક્ષે વાંધો ઉઠાવતાં ચૂંટણી પંચે આ બાબતે સરકાર પાસેથી જવાબ માગ્યો છે. પંચે કેબિનેટ સચિવને પત્ર લખી તેમની ટિપ્પણી માગી છે. કેબિનેટ સચિવનો જવાબ મળ્યે પંચ આ બારામાં નિર્ણય કરશે એમ કહેવાય છે. એ નોઁધનીય છે કે પંચ સરકારની વૈધાનિક કામગીરીમાં  દખલ ન કરી શકે,  તે માત્ર પોતાના મત અંગે સરકારને મનાવી શકે છે.

પાંચ રાજ્યોની ચૂંટણીઓની તારીખો જાહેર થયાના બીજા દિવસે વિપક્ષેાએ એકઝુટ થઈને પંચ સમક્ષ રજૂઆત કરી કે બજેટ રજૂ કરવાની તારીખ પહેલી ફેબ્રુઆરી ચૂંટણીથી ઠીક નજીકની હોઈ તેને લંબાવાય. (ઉલ્લેખનીય છે કે યુપી, પંજાબ ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં તા. ચોથી ફેબ્રુઆરીથી (એટલે કે બજેટ રજૂઆત થવાના 72 જ કલાક પહેલાં) શરૂ થનાર છે. ચૂંટણીના પરિણામો ય 11 માર્ચે જાહેર થઈ જનાર છે. વિપક્ષોનું કહેવું છે કે બજેટને ચૂંટણી પરિણામો બાદ રજૂ કરવામાં આવે.

સરકારે એ મતલબથી આ નિર્ણય કર્યો છે કે બજેટને વહેલું રજૂ કરવામાં આવે તો તા. પહેલી એપ્રિલથી તેમાંના પ્રસ્તાવોને લાગુ કરી શકાય.