વિવાદી નિવેદનથી સાક્ષી મહારાજ ફરી ફસાયા

વિવાદી નિવેદનથી સાક્ષી મહારાજ ફરી ફસાયા
પોલીસે ફરિયાદ નોંધી : ચૂંટણી પંચે હેવાલ માગ્યો : વિપક્ષના પ્રહાર

મેરઠ, તા. 7 : ચાર પત્ની, 40 બાળક, ત્રણ છૂટાછેડા સ્વીકાર્ય નથી તેવી ટિપ્પણી કરીને વિવાદનો વંટોળ સર્જનાર ભાજપ સાંસદ સાક્ષી મહારાજ વિરુદ્ધ મેરઠ પોલીસે આજે ફરિયાદ નોંધી હતી. મારા કહેવાનો અર્થ `મહિલા બાળક પેદા કરવાનું મશિન નથી' તેવો હતો, તેમ કહીને ઉન્નાવના સાંસદે સ્પષ્ટતા કરવાનો પ્રયાસ તો કર્યો પણ તે નિષ્ફળ રહ્યો હતો. વિપક્ષી છાવણીએ આકરી ટીકા કરી હતી.

બીજીતરફ ચૂંટણીપંચે શનિવારે સાક્ષી મહારાજના નિવેદનથી વિવાદના સંબંધમાં મેરઠ જિલ્લા પ્રશાસન પાસેથી અહેવાલ માગ્યો હતો.

ભાજપે સાક્ષી મહારાજની ટિપ્પણીથી અંતર રાખ્યું હતું. કેસરિયા પક્ષ વતી કેન્દ્રિય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ સ્પષ્ટ કર્યું હતું કે, આ સાક્ષી મહારાજનું અંગત નિવેદન છે. તેની સાથે ભાજપ કે એનડીએની સરકારને કોઇ નિસ્બત નથી.

પ્રહારની તક ઝડપી લેતાં કોંગ્રેસ વતી નેતા કે. સી. મિત્તલે એવો આક્ષેપ કર્યો હતો કે, જાતિ અને ધર્મ આધારિત ટિપ્પણી કરાઇ છે. કોંગ્રેસ સાક્ષી મહારાજ વિરુદ્ધ ચૂંટણી પંચ સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવશે.

ગઇકાલે કરેલી આક્રમક ટિપ્પણીની સ્પષ્ટતા કરવાના પ્રયાસમાં ભાજપ સાંસદ સાક્ષી મહારાજે કહ્યું હતું કે, મારા શુક્રવારના નિવેદનનો મતલબ મહિલા બાળક પેદા કરવાનું મશિન નથી તેવો હતો.

મેં તો એવું કહ્યું હતું કે, મહિલા મશિન નથી. ચાર પત્ની, 40 બાળક અને ત્રણ છૂટાછેડા એ બધું જ સ્વીકાર્ય નથી તેવી સ્પષ્ટતા મહારાજે કરી હતી.

કેસરિયા પક્ષના ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે ગઇકાલે મુસ્લિમ સમુદાયનું નામ લીધા વગર કહ્યું હતું કે ચાર વખત લગ્ન કરનાર, 40 બાળકો કરનાર લોકો જ દેશમાં વસ્તી વિસ્ફોટ માટે જવાબદાર છે.

હિન્દુઓ ભારતમાં વસ્તી વિસ્ફોટ માટે જવાબદાર નથી. એ તો એવા લોકો જ જવાબદાર છે જે ચાર વખત લગ્ન કરે છે અને 40 બાળકો પેદા કરે છે તેવું સાક્ષી મહારાજે કહ્યું હતું. આજે એક ચેનલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer