ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં આર્થિક ઠરાવ પસાર

નોટબંધીને કાળાં નાણાંની સમાંતર અર્થવ્યવસ્થાને ખતમ કરતું એક સાહસિક પગલું ગણાવાયું

પ્રમોદ મુઝુમદાર તરફથી

નવી દિલ્હી, તા. 7 : ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં આજે પસાર કરાયેલા આર્થિક ઠરાવમાં મુખ્યત્વે નોટબંધી પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું અને આ સાહસિક નિર્ણયનું સ્વાગત અને સમર્થન કરતાં જણાવાયું હતું કે કાળાં નાણાં, ભ્રષ્ટાચાર, બનાવટી નોટો તથા કાળાં નાણાંની આવકથી નિર્મિત સમાંતર અર્થવ્યવસ્થાની વિરુદ્ધમાં નોટબંધી એક મહત્ત્વનું અને સફળ અભિયાન રહ્યું છે અને લોકોના સમર્થનથી સરકારે તેને પૂરું કર્યું છે.

કેન્દ્રના વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન (સ્વતંત્ર કારભાર) નિર્મલા સીતારામને આજે અત્રે પત્રકારોને જણાવ્યું હતું કે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં આર્થિક ઠરાવ કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ રજૂ કર્યો હતો અને પ્રસ્તાવ રજૂ કરતી વખતે જેટલીએ તેમના પ્રવચનમાં નોટબંધીની જરૂરિયાત  શા માટે પડી? તથા અગાઉના આવા નિર્ણય અને મોદી સરકારના આ નિર્ણયમાં શું ફરક છે તેની જાણકારી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે 2014ની લોકસભાની ચૂંટણી વખતે ભાજપે દેશમાંથી ભ્રષ્ટાચાર અને કાળાં નાણાંને ખતમ કરવાનું વચન આપ્યું હતું અને મોદી સરકારે આ દિશામાં સાહસિક પગલું ભર્યું છે. સીતારામને જણાવ્યું હતું કે આ આર્થિક પ્રસ્તાવ કોઈ પણ સંશોધન વિના સર્વસંમતિથી પસાર કરી દેવામાં આવ્યો હતો.

સીતારામને જણાવ્યું હતું કે નોટબંધીનાં પગલાંનું દેશની આમજનતાએ ઉત્સાહ સાથે સ્વાગત કર્યું છે. જોકે, બીજી તરફ કેટલાક વિપક્ષો નકારાત્મક પ્રચાર દ્વારા માહોલને ખરાબ કરી રહ્યા છે. જોકે, તેમની તમામ કોશિશો નિષ્ફળ રહી છે. આ નિર્ણય પૂરી તૈયારી અને લોકવિશ્વાસની કસોટી પર સાચો સાબિત થયો છે.

જેટલીએ તેમના પ્રસ્તાવ ભાષણમાં જણાવ્યું હતું કે આધાર કાનૂન દ્વારા ગરીબોને તેમના અધિકારો આપવાની સુનિશ્ચિતતા સરકાર દ્વારા આપવામાં આવી છે. દેશમાં જીએસટીના સફળ ઉપયોગ માટે કાળાં નાણાંની સમાંતર અર્થવ્યવસ્થાને સમાપ્ત કરવા નોટબંધી આવશ્યક હતી. સરકારના આ નિર્ણય બાદ એટલે કે નવેમ્બર 2016ના અંત સુધીના આંકડાઓ મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારોની આવક અને મહેસૂલમાં ઉલ્લેખનીય વૃદ્ધિ થઈ છે.

આ પ્રસ્તાવમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા કૅશલેસ ટ્રાન્ઝેક્શનને ઉત્તેજન આપવા યુપીઆઈ, યુએસએસડી, એઈપીએસ તથા રૂપ કાર્ડનો ઉપયોગ વધારવો આવકારદાયક છે અને સરકારનું આ પગલું ભ્રષ્ટાચારમુક્ત ભારત તરફ લઈ જતું એક મોટું પગલું છે. સરકારના ડિજિટલ પ્રયોગથી ગરીબોને લાભ થશે અને વચેટિયાઓની ભૂમિકા નાબૂદ થશે. વડા પ્રધાન દ્વારા નવા વર્ષના પ્રારંભમાં ભિમ એપ લોન્ચ કરવામાં આવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer