અમેરિકામાં હવાઇમથકે ખુલ્લો ગોળીબાર

અમેરિકામાં હવાઇમથકે ખુલ્લો ગોળીબાર
છનાં મોત, 12 ઘાયલ : પૂર્વ જવાન રહી ચૂકેલા શખસે ચેક થયેલા સામાનમાંથી બંદૂક ઉપાડી લીધી

હાઉસ્ટન, તા. 7 : ફ્લોરિડામાં ફોર્ટ લોડરડેલ હોલીવૂડ ઈન્ટરનેશનલ હવાઈમથક પર એક પૂર્વ જવાને શુક્રવારે ભારતીય સમય પ્રમાણે મોડી રાત્રે 1ર.4પ વાગ્યે ખુલ્લો ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં છ લોકોનાં મોત થયાં હતાં અને 1ર અન્ય ગંભીરપણે ઘાયલ થયા હતા. લશ્કરમાં રહી ચૂકેલા આ જવાને એફબીઆઇને જણાવ્યું હતું કે, તેને આઇએસઆઇએસ માટે લડવાનું દબાણ કરવામાં આવ્યું હતું.

હવાઈમથકે અચાનક થયેલા આ ગોળબાર પછી અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે આ 26 વર્ષીય સંદિગ્ધને ઇસ્ટબાન સેન્ટિઆગો તરીકે ઓળખી કાઢ્યો હતો. જેની માનસિક આરોગ્ય માટે સારવાર કરવામાં આવી હતી. તેને અટકાયતમાં લઈ લીધો હતો. આ હવાઈમથક નોર્થ મિયામીથી રપ કિલોમીટરના અંતરે આવેલું છે.

એરપોર્ટ ઓથોરિટીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ જાણકારી આપી કે ઘટના હવાઈમથકના ટર્મિનલ-ર પર સામાન મળવાની જગ્યાએ બની હતી. આ શખ્સે તેના તપાસ થયેલા સામાનમાંથી બંદૂક ઉપાડીને ગોળીબાર કરી નાખ્યો હતો. વ્હાઈટ હાઉસના પૂર્વ સચિવ એયરફ્રેચર પણ એરપોર્ટ પર હતા અને ટ્વિટ કર્યું હતું કે ગોળબાર થતાં જ લોકો આમતેમ ભાગવા લાગ્યા હતા. અધિકારીઓએ બહારથી અંદર પ્રવેશી રહેલા લોકોને રોકી નાખ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer