નોટબંધી બાબતે આરબીઆઇ અને બૅન્ક વડાઓને સંસદીય સમિતિએ સાણસામાં લીધા

મુંબઈ, તા. 7 : સંસદીય ઉચ્ચ સ્તરીય કમિટીએ રૂા. 500 અને રૂા. 1000ની ચલણી નોટ રદ કરવા (ડિમોનેટાઇઝેશન)ના નિર્ણય અને તેના અમલીકરણ બાબતે રિઝર્વ બૅન્કના ગવર્નર અને  નાયબ ગવર્નરોને અણિયારા પ્રશ્ન કર્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરબીઆઈના અધિકારીઓ અને અગ્રણી બૅન્કના વડાઓ સંસદીય સમિતિના મોટા ભાગના પ્રશ્નોના સંતોષકારક ઉત્તર આપી શક્યા નથી. જ્યારે બૅન્કના કૌભાંડ અંગે બૅન્કોએ તેને માત્ર આંશિક સડારૂપે ગણવા વિનંતી કરી હતી. મુખ્યત્વે નવી નોટની ઉપલબ્ધતામાં વિલંબની પણ ચિંતા વ્યક્ત કરી હતી.

ગવર્નર ઊર્જિત પટેલ, નાયબ ગવર્નર એન. એસ. વિશ્વનાથ અને આર.ગાંધી સાથે એસબીઆઈના અધ્યક્ષ અરુંધતી રૉય અને આઇસીઆઈસીઆઈના વડા ચંદા કોચર આ બેઠકમાં સંસદીય સમિતિના તીખા પ્રશ્નોથી ઘવાયા હતા. સમિતિના સભ્યે ખાનગીમાં જણાવ્યું હતું કે આ બેઠકની ચર્ચા ચોક્કસપણે વિરોધાભાસી છતાં રચનાત્મક રહી હતી.

આ પ્રક્રિયા હેઠળ હવે સંસદની નાણાં સમિતિ અને જાહેર એકાઉન્ટ સમિતિ પણ બૅન્કિંગ વડાઓની ઊલટતપાસ લેશે.

સમિતિએ મુખ્યત્વે રૂા. 500 અને રૂા. 1000ની જૂની નોટ સાગમટે રદ કરવાના નિર્ણયના સમયે નવી નોટ છાપીને વિતરણ કરવાની મહાકાય સમસ્યા માટેની પૂર્વતૈયારીમાં નિષ્ફળતા અને બૅન્ક કૌભાંડો સાથે નાગરિકોની સખત હાલાકી બાબતે રોષ વ્યક્ત કર્યો હતો. જેની સામે નાણાં ક્ષેત્રના તમામ અગ્રણીઓ લગભગ નિરુત્તર બની ગયા હતા.

આરબીઆઇના નાયબ ગવર્નરે સમિતિને વિનવણીના સ્વરે જણાવ્યું હતું કે `મહેરબાની કરીને ડિમોનેટાઇઝેશન પ્રક્રિયાને નિષ્ફળતા તરીકે ગણશો નહીં.'

સમિતિએ ડિમોનેટાઇઝેશનની યોજનાના નિર્ણય અને તેના આયોજન બાબતે સ્પષ્ટતા માગી હતી. જેનો જવાબ ઊર્જિત પટેલ આપી શક્યા નહોતા. સમિતિના એક સભ્યે પ્રશ્ન કર્યો હતો કે `આ નિર્ણયની અત્યંત મહત્ત્વપૂર્ણ વિગતોની કેમ તમને જાણ કરાઈ નહોતી?'

સમિતિએ આરબીઆઈની સ્વતંત્ર નિર્ણયની સત્તા અંગે પ્રશ્ન કરતાં જણાવ્યું હતું કે `તાજેતરમાં નાણાપ્રધાન અરુણ જેટલીએ જાહેર કર્યું હતું કે `રદ થયેલ તમામ નોટની રકમ જેટલી નવી નોટ છપાશે નહીં' સભ્યોએ પૂછ્યું હતું કે `આ નિર્ણયની સત્તા તમારી છે કે નાણાપ્રધાનની?' જેનો અસ્પષ્ટ જવાબ આપતાં આરબીઆઈના વડાએ જણાવ્યું કે `આપ જેટલીની જાહેરાતને બીજી રીતે જુઓ છો.'

આ બેઠકમાં લોકોની મુશ્કેલીઓ દૂર કરવા બાબતે સમિતિએ ખાસ આયોજન કરવામાં આરબીઆઈ અને બૅન્કોની સખત ઝાટકણી કાઢી હતી.

અગ્રણી બૅન્કોના અધિકારીઓને નવી નોટનાં કૌભાંડો બાબતે સમિતિએ અનેક પ્રશ્ન કર્યા હતા. જ્યારે અંદાજે રૂા. 3 લાખ કરોડ જેટલાં કાળાં નાણાં પુન: ચૅનલમાં આવવા બાબતે સમિતિએ રોષ વ્યક્ત કર્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer