રૅશનની દુકાનોમાં હવે ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ખરીદી
રૅશનની દુકાનોમાં હવે ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ખરીદી મહારાષ્ટ્રમાં રૅશનની દુકાનમાં ક્રેડિટ-ડેબિટ કાર્ડ વડે ખરીદી થઈ શકશે

મુંબઈ, તા. 7 : મહારાષ્ટ્રમાં આવેલી આશરે 51,000 રૅશનની દુકાનોમાં `પૉઇન્ટ અૉફ સેલ' અર્થાત્ પોશ મશીન પ્રણાલી બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી નાગરિકો ક્રેડિટ અને ડેબિટ કાર્ડ વડે ખરીદી કરી શકશે.

મહારાષ્ટ્રના નાગરિક પુરવઠા ખાતાના પ્રધાન ગિરીશ બાપટે જણાવ્યું હતું કે આ પ્રણાલી મારફતે નાગરિકોને કૅશલેસ વ્યવહારોની સુવિધા પૂરી પાડવામાં આવશે. રૅશનની દુકાનોમાં ભ્રષ્ટાચારને ડામવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રૅશનની દુકાનમાં અપાતું અનાજ પાત્ર નાગરિક ખરીદે છે કે કેમ તે તપાસવા માટે આ પહેલા કોઇ પણ યંત્રણા મહારાષ્ટ્ર સરકાર પાસે ઉપલબ્ધ નહોતી. પોશ એ બાયોમેટ્રિક મશીન પ્રણાલી કાર્યરત થાય પછી તે રૅશનનું દુકાનનું અનાજ પાત્ર વ્યક્તિ કે પરિવારોની પાસે જાય છે કે કેમ તેની વિગતો જાણવા મળશે. પોશ મશીનમાં રૅશન કાર્ડધારકના પરિવારજનોનો આધાર કાર્ડનો નંબર લિન્કઅપ કરવામાં આવશે. ત્યાર પછી પોશ મશીનમાં પણ રૅશન કાર્ડ નંબર નોંધવામાં આવશે એમ બાપટે ઉમેર્યું હતું.