નોટબંધીની અનેક સાનુકૂળ અસરો કાશ્મીરમાં ત્રાસવાદમાં 60 ટકા ઘટાડો : હવાલાનું કામકાજ 50 ટકા ઘટી ગયું

પાકમાં બનાવટી નોટો છાપતા પ્રેસને તાળાં લાગ્યાં: નક્ષલવાદીઓ બેકાર

નવી દિલ્હી, તા.7:  ભારત સરકારે રૂ.500 અને રૂ.1000ની નોટો ચલણમાંથી પાછી ખેંચી લીધી તેના કારણે અબજો રુપિયાનું કાળું નાણુ તો બહાર આવ્યું છે પણ તે સિવાય પણ આ પગલાની કેટલીક સાનુકૂળ અસરો પડી છે. કેન્દ્ર સરકારની જાસૂસી એજન્સીઓના અહેવાલ મુજબ હવાલા એજન્ટોના કોલ ટ્રાફિક પહેલા કરતાં અડધા થઈ ગયા છે. હવાલામાં અંતિમ લાભાર્થીને રોકડમાં ચૂકવણું થતું હોય છે જે 500 અને 1000ની નોટના સ્વરુપે હોય છે. પણ નોટ બંધી પછી આ કાર્ય મુશ્કેલ બની ગયું છે.

9 નવેમ્બરથી મોટી નોટો પાછી ખેંચાતા હવાલા ઓપરેટરોની કામગિરી 50% નીચી થઈ ગઈ છે. જ્યારે ત્રાસવાદ માટેનું ભંડોળ મોટા ભાગે બનાવટી નોટોમાં ચુકવાતું હોય છે જેમાં મોટા મુલ્યવાળી ભારતીય નોટો હોય છે. જાસૂસી ખાતાના અધિકારીઓને શંકા છે કે આવી મોટા ભાગની નોટો પાકિસ્તાનના ક્વેટામાં સરકારી પ્રિન્ટીંગ પ્રેસમાં અને કરાંચીના સિક્યોરીટી પ્રેસમાં છપાતી હોય છે. આ હકીકતની પશ્ચાદ ભુમાં અને હવાલા કામકાજ ઘટયા તે જોતાં નોટબંધીને કારણે કાશ્મીરમાં સંગઠિત પત્થરમારા માટે અને રાજ્યમાં ભૂમિ ઉપરના નેટ્વર્ક માટે વપરાતું ભંડોળ ખતમ થઈ ગયું છે.

જાસૂસી ખાતાના અધિકારીઓ એ એવો દાવો કર્યો હતો કે નોટ બંધી પછી જમ્મુ અને કાશ્મીરમાં ત્રાસવાદ સંબંધિત હિંસામાં 60%નો ઘટાડો થયો છે અને માત્ર ડિસેમ્બર માસમાં ખીણમાં એક મોટા ધડાકાની ઘટના બની હતી. આ અધિકારીએ એમ જણાવ્યું હતું કે આ પગલાને કારણે સંગઠિત પત્થરબાજી ઉપરાંત ત્રાસવાદીઓના જમીની નેટવર્કનો ભોગ લેવાયો છે કારણ કે આ નેટવર્કમાં કામ કરતાં માણસો રોકડા રુપિયા માગતા હોય છે. આમ નોટબંધીને કારણે નબળા પડી ગયેલા આ નેટવર્કથી કાશ્મીર ખીણમાં કેટલાક સફળ પ્રતિ-ત્રાસવાદી પગલા લઈ શકાયા છે.

આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં ભૂ-મફિયાઓ દ્વારા રીઅલ એસ્ટેટના ભાવોમાં જે કૃત્રિમ વધારો કરવામાં આવતો હતો તે અટકી ગયો છે.

વળી સરકારના નોટબંધીના પગલાની  સૌથી મોટી અસર ડાબેરી અંતિમવાદીઓ-નક્ષલવાદીઓની અસરવાળા વિસ્તારમાં પડી છે. સીપીઆઈ(માઓવાદી) પોતાની સંસ્થાઓની પ્રવૃતિઓ માટે નાણા મેળવવામાં મુશ્કેલી અનુભવી રહ્યું છે. છતિશગઢના બસ્તર વિભાગના અને ઝારખંડના સિનીયર સીપીઆઈ(માઓવાદી) સભ્યો પ્રતિબંધિત નોટોને કાયદેસર ચલણમાં ફેરવવા માટે લોકોનો સંપર્કસાધી રહ્યા છે. જાસૂસી અહેવાલો મુજબ રૂ.90 લાખથી ઉપરની રકમ માઓવાદીઓ પાસેથી આજ સુધીમાં ઝડપાઈ છે. આ ઉપરાંત નોટબંધીને કારણે ઘણા માઓવાદીઓ સરકારને શરણે આવ્યા છે. આજ પ્રમાણે ઉત્તરપૂર્વ વિસ્તારના અંતિમવાદીઓ પણ શસ્ત્રો ખરીદવા માટે નાણાની મુશ્કેલી અનુભવી રહ્યા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer