ઓગષ્ટા વેસ્ટલેન્ડ કોપરમાં વચેટિયા સામે બિનજામીન લાયક વોરંટ
નવી દિલ્હી, તા.7 :  આજે અહીંની  સ્પેશ્યલ કોર્ટે રૂ. 3600 કરોડના વીવીઆઈપી હેલિકોપ્ટર સોદામાં ત્રણ આરોપીઓ સામે સમન્સ કાઢયા હતા. આ પહેલા કોર્ટે આ સોદાના વચેટિયા બ્રિટિશ નાગરિક ક્રિસ્ટિયન માઇકલ  જેમ્સ સામે ઓપન એન્ડેડ બિન જામીન લાયક વોરંટ ઇસ્યુ કર્યું હતું. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ખાતાએ એવી રજુઆત કરી હતી કે આ સોદામાં માઇકલ જેમ્સને કમિશન તરીકે 3 કરોડ યુરો મળ્યા હતા અને તેણે અમુક ભારતીયોને લાંચ આપી હતી. ઈડીએ વધુમાં જણાવ્યું હતું કે માઇકલ ભારતીય હવાઈ દળના માજી વડા એસ.પી.ત્યાગીના પિતરાઈ ભાઇઓ સહિતના લોકોને નિયમિત રીતે મળતો હતો.

સ્પેશ્યલ જજ અરાવિંદકુમારે ભારત-સ્થિત પેઢી મે.મીડિયા એક્ઝિમ પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડીરેકટરો આર.કે. નંદા અને જે.બી. સુબ્રમણ્યમ સામે ફરી સમન્સ કાઢયા હતા અને 22 ફેબ્રુઆરીએ કોર્ટમા હાજર થવા જણાવ્યું હતું. આ પેઢી જેમ્સ, નંદા અને સુબ્રમણ્યમ દ્વારા સ્થાપવામાં આવી હતી.

ઈડીના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે છેલ્લે આ ત્રણ સામે જે સમન્સ નીકળ્યા હતા તે છેલ્લા દિવસે બજી શક્યા નહોતા.