અમેરિકન નીતિઓની અનિશ્ચિતતાએ સોનામાં સુધારો આગળ વધવાની ધારણા

યુએસ ફેડ અધિકારીઓએ ડૉલર વધુપડતો મજબૂત થયાની ચિંતા વ્યક્ત કરી 

મુંબઈ, તા. 7 : વિશ્વના સૌથી મોટા અર્થતંત્રના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની 20 જાન્યુઆરીએ `તાજપોશી' સુધી તેમની નીતિઓ બાબતે પ્રવર્તતી અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને રોકાણકારો ડોલરથી દૂર રહી સોના જેવી અસ્કયામત તરફ આકર્ષાવાની શક્યતા છે. આ જોતા આગામી સપ્તાહે સોનાના ભાવમાં સુધારો આગળ વધવાની ધારણા છે. 2016ના અંત પહેલા છેલ્લા 12 વર્ષમાં પહેલી વખત સતત સાત સપ્તાહના ઘટાડા પછી, છેલ્લા સપ્તાહમાં ભાવ વૃદ્ધથી વર્ષાંત થયો હતો. વર્તમાન સપ્તાહમાં સોનું 2 ટકા વધીને 1173 ડોલર અને ચાંદીએ વર્ષારંભે 3 ટકાના ઉછાળે ભાવ 16.45 ડોલર મુકાયા હતા. સ્થાનિક બજારમાં પણ સોનામાં સમાંતર વૃદ્ધિ સાથે ભાવ એક સપ્તાહમાં રૂા. 640ના ઉછાળે રૂા. 28,335 અને ચાંદી રૂા. 39,990 સામે રૂા. 40,620 મુકાઈ હતી. 

ટૂંકાગાળામાં સોના ચાંદી કઈ દિશામાં આગળ વધશે, તેનું નિર્ધારણ,  અમેરિકન ડોલર ઇન્ડેક્સ જે 14 વર્ષની ઊંચાઈથી 1.75 ટકા ઘટીને 101.70 પોઈન્ટ રહ્યા પછી કેવી ચાલ ચાલશે અને યુએસ ટ્રેઝરીના યીલ્ડ (વળતર)ને આધારે થશે. 2017ના વર્ષનો આરંભ આમ તો અમેરિકામાં ત્રણ વખત વ્યાજ વધારો થવાની ગણતરીને આધારે થયો હતો. પરંતુ ફેડ રિઝર્વની ડિસેમ્બર પોલિસી માટિંગમાં સંખ્યાબંધ અધિકારીઓએ ડોલર વધુ પડતો મજબુત થયાની ચિંતા વ્યક્ત કરવામાં આવી તેથી સોનું વધ્યું હતું. આગામી સપ્તાહે બજારનો રસ ફેડ ચેર જેનેટ યેલ્લીન વ્યાજ બાબતે કેવો મત વ્યક્ત કરે છે અને ફેડના અન્ય અધિકારીઓ આ સંદર્ભમાં કેવા નિવેદનો આપે છે, તેને આધારે પણ સોના ચાંદીના ભાવ નક્કી થશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer