બે મહિના સુધી નિ:શુલ્ક જોઈ શકાશે પેંગ્વિન

બે મહિના સુધી નિ:શુલ્ક જોઈ શકાશે પેંગ્વિન
100 રૂપિયાની ફીનો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો : એપ્રિલ બાદ રાણી બાગમાં જવા માટે ફીમાં વધારો થશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : ભાયખલાસ્થિત રાણી બાગમાં લાવવામાં આવેલા પેંગ્વિન જોવા માટે 100 રૂપિયાની ફી આકારવાના મુંબઈ મહાનગર પાલિકા પ્રશાસનના પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે અને આ મહિનાના અંતથી 31 માર્ચ સુધી મુંબઈગરા રાણી બાગમાં તેને નિ:શુલ્ક જોઈ શકશે. રાણી બાગમાં પ્રવેશ ફી પાંચ રૂપિયા છે તે પણ વધારવાના પ્રસ્તાવ પર એપ્રિલ મહિનામાં ચર્ચા બાદ નિર્ણય લેવાશે.

પાલિકા પ્રશાસને જૂથ નેતાઓની બેઠકમાં પ્રસ્તાવ મૂકયો હતો કે પેંગ્વિન જોવા માટે આવતા લોકો પાસેથી 100 રૂપિયા અને 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસેથી 50 રૂપિયા લેવામાં આવે. વળી છેલ્લે 2003માં રાણી બાગની એન્ટ્રી ફી પુખ્ત વયના લોકો માટે પાંચ રૂપિયા અને બાળકો માટે બે રૂપિયા નક્કી થઈ હતી તેમાં વધારો કરવામાં આવે.

જોકે આ પ્રસ્તાવ આજે સાંજે જૂથ નેતાઓની બેઠકમાં રજૂ થાય તે પહેલાં તેના પર વિરોધ શરૂ થયો હતો. શિવસેના પ્રેસિડન્ટ ઉદ્ધવ ઠાકરેએ પણ તેનો વિરોધ કર્યો હતો. વિધાનસભ્ય નિતેશ રાણેએ પણ વિરોધ નોંધાવ્યો હતો.

આના પગલે સાંજે જ્યારે આ મુદ્દો આવ્યો ત્યારે આ પ્રસ્તાવને હાલ તુરંત લાગુ નહીં કરવાનો નિર્ણય લેવાયો હતો અને આ પ્રસ્તાવને એપ્રિલ મહિના પર મુલતવી રાખવામાં આવ્યો હતો.

મુંબઈના મેયર સ્નેહલ આંબેકરે કહ્યું હતું કે રાણી બાગમાં એપ્રિલ મહિના સુધી પેંગ્વિનના દર્શન મફત રહેશે. મમ્મી-પપ્પા સાથે આવેલા નાનાં બાળકોને મફતમાં પેંગ્વિન જોવા મળશે. આગામી બે મહિના સુધી રાણી બાગમાં પ્રવેશ પણ જૂની ફીના આધારે જ આપવામાં આવશે. એપ્રિલ મહિના બાદ તેમાં વધારો કરવામાં આવશે.

રાણી બાગની એન્ટ્રી ફી પાંચ રૂપિયાથી વધારીને 50 રૂપિયા અને બાળકો માટેની ફી 2 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે. પેંગ્વિન જોવા માટે પણ આ દર 100 અને 50 રૂપિયા લેવાનો પ્રસ્તાવ છે. 2012થી રાણી બાગના વિકાસ માટે કામ થઈ રહ્યું હોવાથી ફીમાં વધારાનો પ્રસ્તાવ પ્રશાસને મૂક્યો છે.

સાઉથ કોરિયાથી પાલિકા પ્રશાસને હમ્બોલ્ટ જાતિના આઠ પેંગ્વિન આયાત કર્યા છે અને તેમને રાણી બાગના વિશેષ એન્કલોઝરમાં રાખવામાં આવ્યા છે. અૉક્ટોબર મહિનામાં ઈન્ફેક્શનના કારણે એક પેંગ્વિનનું મૃત્યુ થયું છે. વિશેષ પિંજરા બનાવ્યા બાદ આ મહિનાના અંતમાં તેનું ઉદ્ઘાટન થશે.

મુંબઈગરાએ ભરેલા ટૅક્સમાંથી પાલિકાએ 24 કરોડ રૂપિયાના ખર્ચે પેંગ્વિન આયાત કર્યા છે તેથી હવે તેને જોવા માટે અલગથી શા માટે ફી ચૂકવવી એવો સવાલ કૉંગ્રેસે કર્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer