પાલિકાની ચૂંટણીમાં ભાજપ-શિવસેના વચ્ચે સમજૂતી થાય તો આશ્ચર્ય!

બેઠકોની વહેંચણી અંગે સંમતિ સાધવાનું મુશ્કેલ જણાય છે

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 7 : મહાપાલિકાની આવતા મહિને યોજાનારી ચૂંટણીમાં સત્તાધારી ભાજપ અને શિવસેના તેમ જ વિપક્ષ કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી વચ્ચેની સ્પર્ધા નહીં હોય તેનું કારણ એ છે કે છેલ્લા પાંચ વર્ષમાં બદલાયેલા રાજકીય સંજોગોમાં શિવસેનાએ મુંબઈ ઉપર વર્ચસ્વ જાળવી રાખવા સાથી પક્ષ ભાજપના પડકારનો મુકાબલો કરવો પડે એવી શક્યતા વિશેષ છે.

ભાજપ અને શિવસેનામાં બેઠકોની વહેંચણીને મુદ્દે મઠાગાંઠ થવાની શક્યતા છે. શિવસેના વર્ષ 2012ની પાલિકાની ફોર્મ્યુલા માટે આગ્રહ રાખે છે અને ભાજપ વર્ષ 2014ના અૉક્ટોબરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોનો આગ્રહ રાખે છે. તેથી `મેરે મન કી ગંગા ઔર તેરે મન કી જમના'નો સંગમ થવાનું મુશ્કેલ છે.

વરસેદહાડે 37,000 કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી મુંબઈ મહાપાલિકા ઉપર પોતાનું વર્ચસ્ સિદ્ધ કરવા માટે ભાજપ અને શિવસેના એકમેક સામે લડી લેવાના મૂડમાં હોવાનો માહોલ અત્યાર સુધીનો છે.

ભાજપની ચિંતા મહારાષ્ટ્રની ફડણવીસ સરકાર શિવસેનાના ટેકા વડે પાંચ વર્ષ પૂરા કરે તેની છે. શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેને ભય છે કે જો તેઓ મહારાષ્ટ્રમાં ભાજપની સરકારને આપેલો ટેકો પાછો ખેંચે તો તેમના પક્ષના કેટલાક વિધાનસભ્યો પ્રધાનપદ કે અન્ય લાલચવશ ભાજપમાં જોડાય અને તેથી શિવસેનામાં ભંગાણ પડી શકે. આ ઉપરાંત રાષ્ટ્રવાદી કૉંગ્રેસે ફડણવીસ સરકારને બહારથી બિનશરતી ટેકો આપેલો છે. વર્તમાન પરિસ્થિતિમાં જણાય છે કે મહારાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતા સર્જવાનું જોખમ ભાજપ અને શિવસેના વહોરે એવી શક્યતા નહીંવત્ છે.

આમ છતાં દેશની આર્થિક રાજધાની મુંબઈ ઉપર પોતાનું વર્ચસ જમાવવા ભાજપ અને શિવસેના ઉત્સુક છે. ભાજપએ પાલિકામાં શિવસેનાના કારભારની અનેકવાર ટીકા કરી છે. બીજી તરફ શિવસેનાના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નોટબંધી સહિત અનેક મુદ્દે ખુલ્લેઆમ ટીકા કરી છે.

બેઠકોની વહેંચણીના મુદ્દે પણ ભાજપ અને શિવસેના વચ્ચે સમજૂતી થવાનું મુશ્કેલ છે. શિવસેના વર્ષ 2012ની પાલિકાની ચૂંટણીના પરિણામોનો આધાર લેવાય એવો આગ્રહ રાખે છે. જ્યારે ભાજપ વર્ષ 2014માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોને આધારે બેઠકની વહેંચણીની ચર્ચા થાય એવો આગ્રહ રાખે છે. તેથી સમજૂતી થવાનું અતિમુશ્કેલ જણાય છે.

મુંબઈ મહાપાલિકાની ચૂંટણી સ્વતંત્રપણે લડવી અને ભાજપની નેતાગીરીને મુંબઈમાં તેના નબળા સંગઠનનું ભાન કરાવી દેવું એવું શિવસૈનિકો માને છે. બીજી તરફ ભાજપના કાર્યકરો માને છે કે બાળ ઠાકરેના નિધન અને વડા પ્રધાન મોદીના તેજસ્વી નેતૃત્વને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં હવે શિવસેનાને તેનું સ્થાન દેખાડી દેવું જોઈએ.

આ સંજોગોમાં શિવસેના અને ભાજપ મુંબઈ પાલિકાની ચૂંટણી એકલે હાથે લડે એવા સંજોગો છે. જો તેઓ સાથે મળીને ચૂંટણી લડે તો તે આશ્ચર્ય કહેવાશે.

ચૂંટણીની તારીખ સોમવારે જાહેર થશે?

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અંતિમ તબક્કાનું મતદાન રવિવારે થશે ત્યાર પછી આવતી કાલે અથવા મંગળવારે રાજ્ય ચૂંટણી પંચ મુંબઈ પાલિકા માટેની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરે એવી શક્યતા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer