મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપી ખાતરી કલંબોલી અને તળોજાના લોખંડના વેપારીઓ પરનો એલબીટી દૂર થઈ જશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : કલંબોલી અને તળોજામાં લોખંડના વેપારીઓ પર લાદવામાં આવેલો લોકલ બોડી ટૅક્સ (એલબીટી) પાછો ખેંચવા માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાણાપ્રધાન સુધીર મુનગંટ્ટીવારે સંમતિ દર્શાવી છે. તેના લીધે કલંબોલી અને તળોજામાં લોખંડના વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

મહારાષ્ટ્ર સરકારે કલંબોલી અને તળોજાને ન્યૂ પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સમાવી લીધા હતા. તેના કારણે ન્યૂ પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશનની હદમાં વેપારધંધો કરતાં લોખંડના વેપારીઓ ઉપર એલ.બી.ટી.નો બોજ આવી ગયો હતો.

આ અંગે ફેડરેશન અૉફ ઍસોસિયેશન અૉફ મહારાષ્ટ્ર `ફામ' દ્વારા ભાજપના વરિષ્ઠ વિધાનસભ્ય રાજ કે. પુરોહિત મારફતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. `ફામ'ના અધ્યક્ષ વીનેશ મહેતાએ વેપારીઓની આ તકલીફ દૂર કરવા પૂરી તાકાત કામે લગાડી હતી. આ બાબતે નગરવિકાસ સચિવ મનિષા મ્હૈસકર સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમાં મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા અતુલ શાહે મદદ કરી હતી. `ફામ'ના ઉપપ્રમુખ જિતેન્દ્ર શાહ અને મંત્રી પ્રીતેશ શાહે ભાજપના વરિષ્ઠ વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢા મારફતે મહારાષ્ટ્રના નાણાપ્રધાન સુધીર ગુનગંટ્ટીવાર સમક્ષ રજૂઆત કરતાં તેમણે ઘટતું કરવાની ખાતરી આવી છે.

એલ.બી.ટી.ને કારણે વેપારીઓની તકલીફને ધ્યાનમાં લઇને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રધાનમંડળની આગામી બેઠકમાં તળોજા અને કલંબોલીના લોખંડના વેપારીઓને એલ.બી.ટી.ની તકલીફમાંથી દૂર કરાવવા માટેની દરખાસ્ત તૈયાર કરીને રજૂ કરવાનો આદેશ વહીવટી તંત્રને આપ્યો છે. તેથી હવે તળોજા અને કલંબોલીના લોખંડના વેપારીઓ ઉપરથી એલ.બી.ટી.નો બોજ દૂર થશે.

`ફામ'ના પ્રમુખ વીનેશ મહેતાએ કામમાં મદદ કરવા બદલ સ્ટીલ ચેમ્બર અૉફ ઇન્ડિયા, બૉમ્બે આયર્ન મર્ચન્ટ્સ ઍસોસિયેશન, બૉમ્બે આયર્ન બ્રોકર્સ ઍસોસિએશન, દારૂખાના સ્ટીલ મર્ચન્ટ્સ ઍસોસિએશન અને 

મેટલ ઍન્ડ સ્ટેનલેસ સ્ટીલ મર્ચન્ટ્સ ઍસોસિએશને આપેલા સહકાર અને ટેકા બદલ આભાર માન્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer