મેટ્રો-3 પ્રોજેક્ટના અસરગ્રસ્તોની દરકાર કરવા યુનિટની સ્થાપના

મુંબઈ, તા. 7 : કાલબાદેવી અને ગિરગામમાં મેટ્રો-3 પ્રોજેક્ટથી અસર પામનારા લોકોના પ્રતિકારને પગલે મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશને (એમએમઆરસી) તેમની જરૂરિયાતોની દરકાર કરવા કાલબાદેવી-ગિરગામ પુનર્વસન અને પુનર્વિકાસ પ્રોજેક્ટ અમલીકરણ (કેજીઆરઆરપીઆઇયુ) યુનિટની સ્થાપના કરી છે.

આ વિસ્તારના પુનર્વસન અને પુનર્વિકાસ ઝડપથી પૂર્ણ કરવા સંગઠિત પ્રયાસ માટે અમે એક સમર્પિત ટીમ અમે ઇચ્છતા હોવાથી આ યુનિટની સ્થાપના કરવામાં આવી છે, એમ એમએમઆરસી (પ્લાનિંગ)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને યુનિટના વડા આર. રામન્નાએ જણાવ્યું હતું.

કોલાબા-બાંદરા-સિપ્ઝ અંડરગ્રાઉન્ડ મેટ્રો લાઇનથી 2650 પરિવારોનું બીજે સ્થળાંતર કરવું પડશે. માહિમ, બીકેસી, સહાર રોડ અને મરોલ વિસ્તારને આવરી લેતી આ અંડરગ્રાઉન્ડ મેટ્રોલાઇન 33.5 કિલોમીટરનો રૂટ ધરાવે છે. 2650 પરિવારો પૈકી ગિરગામ અને કાલબાદેવીના 650 પરિવારો છે.

કેજીઆરઆરપીઆઇયુમાં હાલમાં 15 સભ્યો છે. આ યુનિટની કામગીરીમાં અસરગ્રસ્ત પરિવારો સાથે વાટાઘાટ કરવા અને તેઓને કામચલાઉ આવાસમાં સ્થળાંતર કરવામાં સહાયરૂપ થવા, જમીનમાલિકો સાથે વાટાઘાટ કરવા, જમીન અને મકાનનો કબજો મેળવવા તથા તેઓને એમએમઆરસીના નામે ટ્રાન્સફર કરવા, મકાનો બાંધવાં અને નવેસરથી બાંધેલાં મકાનોમાં પરિવારોને સ્થળાંતર કરાવવાની બાબતનો સમાવેશ થાય છે.

વધુ નફો મેળવવા માટે મુક્ત વેચાણની જગ્યા, ખાનગી યુનિટોને વેચવા અંગે પણ પુનર્વિકાસ યુનિટ કામગીરી હાથ ધરશે.

હાલમાં આ યુનિટ ગિરગામ અને કાલબાદેવીના લોકો સાથે વાટાઘાટ કરી રહ્યું છે તથા નજીકના વિસ્તારોમાં કામચલાઉ રહેવાની જગ્યા માટે ટેન્ડર પણ બહાર પાડયાં છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer