ધોનીએ અનેક વખત મને ટીમમાંથી બહાર થતાં બચાવ્યો : કોહલી
નવી દિલ્હી, તા.7 : ભારતીય વન-ડે અને ટી-20 ટીમના નવા કપ્તાન વિરાટ કોહલીએ પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની વિશે કરેલા એક મોટા ખુલાસામાં જણાવ્યું હતું કે ધોની માત્ર કપ્તાન જ નહીં એક સંરક્ષક પણ હતો અને તેણે અનેક વખત મને ટીમ બહાર થવાથી બચાવ્યો હતો.

કોહલીએ જણાવ્યું હતું કે ધોનીએ અનેક વખત ભારતીય ટીમમાંથી બહાર કાઢવા સામે તેનો પક્ષ લીધો હતો. કોહલીએ 2008માં શ્રીલંકામાં વન-ડે પદાર્પણ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ધોનીના વડપણમાં રમી હતી. 

આરંભના દિવસોમાં કોહલી સારો દેખાવ કરી શકતો ન હતો પરંતુ ધોનીએ તેના પર પૂરો ભરોસો રાખ્યો હતો અને તેનું સ્થાન સુરક્ષિત રાખ્યું હતું.

કોહલીએ કહ્યું કે ધોની એ ઈન્સાન છે જેણે આરંભમાં મારા માર્ગદર્શક તરીકે મને અનેક તકો આપી હતી. 

તેણે મને એક ક્રિકેટરના રૂપમાં ખીલવાનો પર્યાપ્ત સમય આપ્યો હતો અને અનેક વખત ટીમમાંથી બહાર થવાથી બચાવ્યો હતો.

ભારતના નં.1 બેટધરે સ્પષ્ટ કર્યું હતું કે કપ્તાન તરીકે ધોનીની જગ્યા લેવી સહેલી નહીં હોય. તેણે કહ્યું કે નિશ્ચિત રીતે ધોનીની જગ્યા પૂરવી આસાન કામ નથી.