રેન્કિંગમાં પાક પાંચમા ક્રમે ધકેલાયું
અૉસિ સામે પણ વ્હાઇટવોશથી ફટકો : કાંગારુંઓ બીજા સ્થાને મજબૂત બન્યા

દુબઈ, તા. 7 : ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પણ 0વિ.3થી થયેલા કારમા વ્હાઈટવોશ બાદ પાકિસ્તાનની ટીમ આઈસીસી રેન્કિંગમાં બે સ્થાન નીચે ઉતરીને પાંચમા ક્રમે પહોંચી ગઈ છે. 

મિસબાહ ઉલ હકની સાતત્યવિહોણી ટીમે ન્યૂઝીલેન્ડમાં 0વિ.2ના વ્હાઈટવોશ બાદ ઓસીમાં પણ ત્રણેય ટેસ્ટમેચમાં હાર મળતાં 97 અંક સાથે નીચે ધકેલાઈ છે અને કિવીઝ અને શ્રીલંકાથી એક જ અંક આગળ છે. પાકની આજે સળંગ છઠ્ઠી હાર થઈ હતી. 

જુલાઈ-ઓગષ્ટમાં ઈંગ્લેન્ડમાં સિરીઝ યેનકેન પ્રકારે સરભર કરીને રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયેલી પાક ટીમ ત્યાર બાદ ખરાબ દેખાવને પગલે સતત નીચે ઉતરી રહી છે. 

બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ ચાર પોઈન્ટ હાંસિલ કર્યા હતા અને કુલ 109 પોઈન્ટ સાથે બીજા ક્રમે પોતાની સ્થિતિ મજબૂત કરી હતી. ટીમ ઈન્ડિયા 120 અંક સાથે મોખરે છે. જો કે,દ.આફ્રિકા પણ 101 અંક ધરાવે છે અને લંકા સામેની શ્રેણી પૂરી થયા બાદ આગળ વધશે. જો તે 3-0થી સિરીઝ જીતશે તો 107 પોઈન્ટ થશે અને જો આફ્રિકા-લંકાની ત્રીજી ટેસ્ટ ડ્રો થશે તો તેના અંક 105 થશે અને જો લંકા ત્રીજી ટેસ્ટ જીત્યું તો આફ્રિકા બે અંકના વધારા સાથે 104 અંક પર પહોંચશે.